ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું, હવે ચોમાસુ 15 ઓકટોબર બાદ પૂર્ણ થાય તેવા સંકેત સામે આવી રહ્યા છે.
• ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
• રાજ્યના અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી
• 24 કલાકમાં માત્ર 22 તાલુકાઓમાં જ વરસાદ પડ્યો
હાલમાં દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે તેવા એંધાણ અને સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
આજે ક્યાં મેઘો મંડાશે?
હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે. સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાંમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંના વરતારા છે.
22 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ગણદેવીમાં સૌથી વધુ 5.25 ઈંચ વરસાદ જ્યારે જલાલપોરમાં 4.5 ઈંચ, પલસાણામાં 3.5 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ અને વઘઈમાં 2.5 ઈંચ, સુબિરમાં સવા બે ઈંચ જયારે ઉમરગામ અને વાંસદામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરેરાશ 34% વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34% વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 48% વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
નર્મદા કાંઠા વિસ્તારનાં ૨૬ ગામને એલર્ટ કરાયાં
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કરી દિધો છે. નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે વહીવટી તંત્રએ અપીલ કરી છે. નર્મદા ડેમની જળસપાટી 138.44 મીટરે પહોંચી છે. આથી નદી કાંઠાનાં 26 ગામને એલર્ટ કરાયાં છે. હાલ ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ ઉપરવાસમાં વરસાદના કારણે માત્ર 2.70 ફૂટ જ દૂર છે. ઓકટોબરના પહેલા સપ્તાહ સુધીમાં ડેમ સંપૂર્ણ ભરાઇ શકે છે.
નવરાત્રીમાં વરસાદ નહિ પડે
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રી વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.