ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો

અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના મેઘરજ અને માલપુર પંથકમાં વરસાદી ઝાપટાં આવ્યાં બાદ સમી સાંજે બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ પડ્યો છે. બાયડના તેનપુર, જીતપુર, ભૂંડાસણ, આંબલિયારા ગામ અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો છે. તેમજ મેઘરજ અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાંમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

કચ્છમાં સતત પાંચમા દિવસે પણ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને બાબરિયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં એક ટ્રક તણાઇ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

આજે આ જગ્યાએ વરસાદ પડી શકે

આજે 01 મેના રોજ રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર અને હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

2જી મેએ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

2જી મેએ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની શક્યતા ઓ છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

3જી મેએ રાજ્યના ચારેય ઝોનમાં માવઠાની શક્યતા

3જી મેએ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ, મધ્ય ગુજરાતના દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છમાં વરસાદ પડશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહેશે.

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ

અમરેલીના કાગદડીમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ઉનાળુ પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કેરીનો પાક ઉતારવાનો સમય છે, ત્યારે કમોસમી વરસાદથી કેરીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર તો અમુક વિસ્તારોમાં સામાન્ય પ્રકારનો વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં ગઈકાલે વહેલી સવારે વરસાદ વરસ્યો

ગઈકાલે સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

Leave a Comment