– પરપ્રાંતોના અનેક વેપારીઓના માર્કેટીંગ
– યાર્ડમાં ધામા
– જિલ્લાના તમામ યાર્ડોમાં ખેતજણસીઓનું ધૂમ વેચાણ થતા ખેડૂતોની સાથે કમિશન એજન્ટોને પણ તડાકો
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લાભરના માર્કેટીંગ યાર્ડોમાં દિવાળી બાદની નવી સિઝનમાં મગફળી અને કપાસની ચોતરફથી થઈ રહેલી મોટી આવકના કારણે તેમજ તેના સર્વાધિક ભાવથી જગતના તાત ખેડૂતો આનંદમય રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની હજજારો ગાંસડીઓનું વેચાણ થઈ જતા ઉત્પાદક ખેડુતોની સાથોસાથ કમિશન એજન્ટોને પણ તડાકો પડી ગયો છે.
ભાવનગરમાં ચિત્રા માર્કેટીંગ યાર્ડ,તળાજા અને મહુવા માર્કેટીંગ યાર્ડ સહિતના તમામ યાર્ડો માટે નવુ વર્ષ મગફળી અને કપાસ માટે ખુબજ સારું સાબિત થઈ રહ્યુ છે. ભાવનગર સહિત પૂરા સૌરાષ્ટ્રભરમાં સારો વરસાદ થતા મગફળીનો સારો એવો ઉતારો મળી રહ્યો હોય ભાવનગર શહેરની ભાગોળે ચિત્રા ખાતે આવેલા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા અઠવાડિયાથી મગફળી,કપાસ સહિતની વિવિધ ખેતજણસીઓની મોટી આવક થઈ રહી છે. હાલમાં યાર્ડની બંને સાઈડ ખેતજણસીઓ વેચવા માટે ગોહિલવાડમાંથી દૂર દૂરથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હજારો વાહનોમાં ખેતજણસી ભરી ભરીને વેચવા આવી રહેલા વાહનોના કારણે યાર્ડમાં ચોતરફ ગાંસડીઓના ખડકલા જોવા મળી રહ્યા છે. ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં તા.18 નવેમ્બરને શુક્રવારે નવી શીંગની 1394 ગુણ ની આવક થઈ હતી જેના સૌથી ઉંચા 1790 ના ભાવ બોલાયા હતા જયારે શીંગ G-20 ની 116 ગુણ આવક નોંધાતા તેના 1233ના ભાવ બોલાયા હતા. જયારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં તા.17 ને ગુરૂવારે મગફળીની 9750 ગુણનુ વેચાણ થયુ હતુ. જેના સૌથી ઉંચા 1431 ભાવ બોલાયા હતા. જયારે તા.18 ને શુક્રવારે 9250 ગુણ મગફળીની ગુણનું વેચાણ થયુ હતુ. જેના સૌથી ઉંચા ભાવ 1408 બોલાયા હતા. જયારે કપાસની 207 ગાંસડીનું વેચાણ થયુ હતુ. જેના હાલ સૌથી ઉંચા 1851 ના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ ઉપરાંત જિલ્લાના અન્ય યાર્ડોમાં પણ કપાસની સીઝન પણ ખુબ જ લાભદાયી નિવડી રહી હોય ખેડૂતોની આ વખતની દિવાળી સુધરી છે તેમ યાર્ડના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ. છેલ્લા સપ્તાહ દરમિયાન જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચવા માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતોના વાહનોના થપ્પા લાગી રહ્યા છે. ઘણા સ્થળોએ તો માલની ધૂમ આવક થતા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવાની ભીતિ સેવાઈ હતી. છેલ્લા 15 દિવસમાં જિલ્લાના યાર્ડોમાંથી કપાસ અને મગફળીનુ ધૂમ વેચાણ થતા ગોહિલવાડના ખેડૂતો માલામાલ થયા છે.
મગફળીની ખરીદી માટે અન્ય રાજ્યોમાંથી વેપારીઓે પહોંચ્યા
ભાવનગર જિલ્લાની મગફળી ગુણવત્તાની દ્રષ્ટિએ સારી હોવાથી જેને લઈને ચિત્રા, તળાજા અને મહુવા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં અન્ય રાજયોમાંથી ખરીદી માટે મોટી સંખ્યામાં વેપારીઓ આવતા જણાયા છે. દર વર્ષે તામિલનાડુ સહિતના અનેક પ્રાંતોના વેપારીઓ મગફળીની જથ્થાબંધ ખરીદી માટે ગુજરાત રાજયમાં આવતા હોય છે. જે પૈકીના અનેક વેપારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા હોવાથી ખેડૂતોને ધારણા મુજબના ખુબ જ ઉચા ભાવ મળી રહ્યા છે.