કપડાંથી માંડીને ખાદ્યતેલમાં વપરાતા કપાસનું દેશમાં 3.5 ટન ઉત્પાદન થાય છે, તેમાં ગુજરાતમાં ગત વર્ષ 2021-22 માં 92 લાખ ટનમાં 70 થી 72 ટકા કપાસ માત્ર સૌરાષ્ટ્ર પકવે છે. ગયું ચોમાસુ સાનુકૂળ રહેતા અને ખેડૂતોએ કપાસનું વાવેતર ૩ લાખ હેક્ટરમાં વધારે કર્યું હોય આ તૈયાર થયેલો પાક હવે માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે ઠલવાવા માં આવી રહ્યો છે. ખેડૂતોએ ભાવ રૂ. 2000 ની સપાટી વધે તેની રાહ જોઈ હતી પરંતુ, હવે માલ બજારમાં લાવવાનું શરુ કરી દીધું છે.
– ગત વર્ષે 2800 એ પહોંચેલા ભાવ આ વર્ષે 1900 થી નીચે, રાજ્યમાં ગત વર્ષથી 3 લાખ હેક્ટરમાં વધુ વાવેતર,વધુ પાક
– રાજકોટ યાર્ડમાં 35,000 ગોંડલમાં 33,375 મણ કપાસની ભારીઓ ઠલવાઈ
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની સર્વાધિક 7000 ક્વિન્ટલ એટલેકે 35 હજાર મણની આવક નોંધાઈ છે અને ખેડૂતોને રૂ. 1805 થી 1892 ના ભાવ મળી રહ્યા છે. જ્યારે ગોંડલમાં 6675 ક્વિન્ટલ એટલેકે 33,375 મણની આવક નોંધાઈ છે. અમરેલી યાર્ડમાં પણ 1301 ક્વિન્ટલની આવક નોંધાઈ છે. એકંદરે કપાસના ભાવ પ્રતિ મણ રૂ. 2000 થી નીચા અને રૂ. 1800 થી વધુ રહ્યા છે.
ચાલુ વર્ષે ગુજરાતમાં 25.49 લાખ હેક્ટર પૈકી 18.25 લાખ હેક્ટર જમીનમાં વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં છે અને તેમાંય સર્વાધિક સુરેન્દ્રનગરમાં 40,5600 હેકટરમાં અને અમરેલી જિલ્લામાં 35,1800 હેકટરમાં વાવેતર થયું છે. વલસાડ,નવસારી,ડાંગ સિવાયના તમામ 30 જિલ્લામાં કપાસ પકવાય છે.
ગુજરાતમાં 92 લાખ ટન ઉત્પાદન નો અંદાજ
દેશમાં ‘અપેડા ‘ના છેલ્લી વિગત મૂજબ ગુજરાતમાં 2019-20 માં 86.17 લાખ ટન સહિત દેશમમાં 356.30 લાખ ટન ઉત્પાદન થયું હતું અને ગુજરાતનો ફાળો 23.89 ટકા હતો. જ્યારે ઈ.સ.2011-12 માં ગુજરાતમાં 120 લાખ ટન ઉત્પાદન સાથે દેશમાં 34 ટકા કપાસ ગુજરાતમાં પાક્યું હતું. છેલ્લે પ્રાપ્ત માહિતી મૂજબ ઈ.સ. 2021-22 માં ગુજરાતમાં 92 લાખ ટન ઉત્પાદન નો અંદાજ છે અને તેમાં 70 ટકાથી વધુ કપાસ સૌરાષ્ટ્રમાં થાય છે.
ચાલુ વર્ષે તાજેતરમાં પૂરી થયેલી ખરીફ સીઝનમાં ગુજરાતમાં 25.49 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જે ગત વર્ષ 2021 માં 22.54 લાખ કરતા લગભગ 3 લાખ હેક્ટર વધુ વાવેતર હતું. નોર્મલ સરેરાશ ગુજરાતમાં 24 લાખ હેક્ટર કરતા પણ આ વર્ષે 6 ટકા વધુ વાવણી થઈ છે અને વધુ પાકનો અંદાજ છે. ગયા બે વર્ષોમાં ઓછા ઉત્પાદનના પગલે કપાસના ભાવ ઐતહાસિક ઉંચાઈએ પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રમાં પ્રતિ મણ 2800 થી 3000 સુધી પહોંચ્યા હતા.ખેડૂતો હજુ વધુ ભાવની રાહ જોઈ રહ્યા છે અને રૂ. 2000 ની સપાટીએ ભાવ પહોંચે તો આ સફેદ સોનાના વધુ ઢગલા થવા સંભવ છે.