નમો ટેબ્લેટ યોજના 2022: મફત ટેબલેટ આપવામાં આવશે, ટેબ્લેટ યોજનામાં 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે, જાણો સંપુર્ણ પ્રોસેસ – Namo Tablet Yojna

– અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી ટેબ્લેટ મળે તેવું અનુમાન
– ૨૦-૨૧,૨૧-૨૨ એમ બે વર્ષના બાકી ચાર લાખ વિદ્યાર્થીને ટેબલેટ માટે હજુ રજિસ્ટ્રેશન જ નથી થયુ

અમદાવાદ,
ધો.10-12 પછીના ડિગ્રી-ડિપ્લોમા કોલેજો અને અન્ય તમામ વોકેશનલ-પ્રોફેશનલ કોર્સીસની કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની સરકારની 200 કરોડ રૂપિયાની યોજના અંતર્ગત 2019-20ના બાકી રહેલા 50000 થી વધુ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા ટેબ્લેટ અપાયા બાદ હજુ પણ 2020-21 અને 2021-22 એમ બે વર્ષના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે.કોરોના બાદ બે વર્ષથી ટેબ્લેટ યોજના વિલંબીત થઈ રહી છે ત્યારે હાલ એવી પરિસ્થિતિ છે અને આગળ પણ એવી જ પરિસ્થિત રહેશે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ તેઓને ટેબ્લેટ મળશે.

ગુજરાત સરકારે 2017માં લોન્ચ કરેલી સ્ટુડન્ટ ટેબ્લેટ યોજના અંતર્ગત દર વર્ષે બજેટમાં 200થી 300 કરોડ રૂપિયા ફાળવવામા આવે છે અને જેમાં બે વર્ષ ટેબ્લેટ વિતરણ થયા બાદ 2019-20માં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને જાન્યુઆરી 2020માં ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા પરંતુ ત્યારબાદ માર્ચમાં કોરોનાની મહામારી જાહેર થતા ટેબ્લેટ વિતરણ અટક્યુ હતુ અને સૌથી મોટી સમસ્યા ટેબ્લેટ બનાવનાર કંપનીને લઈને ઉભી થઈ હતી.અગાઉ ચાઈનીઝ કંપનીના ટેબ્લેટ અપાતા હતા અને કોરોનામાં ચાઈનીઝ કંપનીના ટેબ્લેટને લઈને વિવાદ ઉભો થતા ઈન્ડિયન કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયુ હતુ પરંતુ ઈન્ડિયન કંપનીને અપાયેલા મોટા ઓર્ડરમાં સમયસર ટેબ્લેટ મળી શકે તેમ નથી. ટેબ્લેટના સેમ્પલ ટેસ્ટિંગમાં જ ઘણો સમય જતો રહ્યો હતો અને છેલ્લે કંપની તરફથી 50 હજાર ટેબ્લેટ મળતા 2019-20ના બાકી રહેલા વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ સરકાર દ્વારા ટેબ્લેટ વિતરણ કરવામા આવ્યા છે.

પરંતુ હજુ પણ 2020-21 અને 2021-22 એમ બે વર્ષના લાખો વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે.જે કંપનીને ઓર્ડર અપાયો છે તેના દ્વારા છેલ્લે અપાયેલા ટેબ્લેટનું સેમ્પલ ટેસ્ટિંગ હાલ પ્રક્રિયામાં છે અને જે ફાઈનલ થયા બાદ વિતરણ થશે. પરંતુ મહત્વનું છેકે 2020-21 અને 2021-22ના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટેનું રજિસ્ટ્રેશન હજુ થયુ નથી ત્યારે ટેબ્લેટ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે.

2020-21માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ચાલુ વર્ષે એપ્રિલમાં પૂર્ણ થઈ જશે અને તે પહેલા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી જશે કે નહીં? અગાઉ 2019-20ના વિદ્યાર્થીઓનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ થોડા સમય પહેલા જ તેઓને ટેબ્લેટ મળ્યા હતા. જ્યારે આ વર્ષે 2022-23ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો તો વારો ક્યારે આવશે ? આમ બે વર્ષથી ટેબ્લેટની યોજના વિલંબીત થઈ રહી છે અને સરકાર દ્વારા બજેટમાં 200 કરોડ ફાળવવામા આવે છે પરંતુ અમલ ક્યારે?આ વર્ષે પણ બજેટમાં 200 કરોડ રૂપિયા ટેબ્લેટ માટે ફાળવાયા છે.

Leave a Comment