• ફટાકડાના ધડાકાના બદલે ભાવ જ ‘કાનમાં ધાક’ પાડી દે તેવા !
• કાગળથી માંડીને તમામ કાચી સામગ્રીના ભાવવધારાને કારણે પરંપરાગતથી માંડી જ ફેન્સી આઈટમ મોંઘીદાટ
• રેગ્યુલર અને ફેન્સી ફટાકડાની સીઝન આ વર્ષે સારી રહેવાની વેપારીઓમાં આશા
• હોલસેલ માર્કેટમાં તેજી: આગામી સાત થું 8 દિવસથી રીટેઈલ વેંચાણમાં ઉછાળો આવે તેવી શકયતા.
દિવાળીનાં તહેવારો આડે હવે આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી છે ત્યારે ફટાકડાનાં રીટેઈલ બજારોમાં સ્ટોલ ઉભા થવા લાગ્યા છે અને આ વર્ષે ફટાકડાનાં ભાવમાં 50 થી 60% નાં ભાવ વધારાને લીધે ફટાકડા મોંઘાદાટ થય ગયાં છે. સદર બજાર સહિત અનેક સ્થળોએ નાના-મોટા છુટક વેપારીએ હોલસેલ ભાવના ફટાકડાની ખરીદી આરંભી છે બીજી તરફ ગ્રામીણ વિસ્તારના વેપારીઓ માર્કેટમાં ખરીદી માટે ઉમટતા હાલ ફટાકડા બજારમાં ખરીદીનો ધમધમાટ પ્રર્વતી રહ્યો છે.
ફટાકડાના હોલસેલના વેપારીઓનાં જાળવ્યા પ્રમાણે કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફટાકડાની સીઝન સારી રહેવાની આશા છે પરંતુ ફટાકડા, ઉત્પાદીત કંપનીઓએ 50 થી 60% નો ભાવવધારો ઝીંકી દેતા ફટાકડા મોંઘા દાટ થયા છે. રેગ્યુલર અને ફેન્સી ફટાકડા મોંઘા થતા રીટેઈલ વેચાણને થોડી અસર પડે તેવી શકયતા જોવા મળી શકે છે જો કે આગામી સપ્તાહથી સીઝન પુરબહાર ખૂલે તેવી શકયતા છે. હાલ ફટાકડાની હોલસેલ માર્કેટ તેજીમાં ચાલે છે રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાના રીટેઈલ વેપારીઓ તાલુકા મથકોમાં વેપારીઓ તેમજ શહેરી વિસ્તારોમાં ફટાકડાનો સીઝન સ્ટોલનાં વેપારીઓ મોટા જથ્થામાં માલ ઉપાડી રહ્યા છે. આવા સમયે અત્યારે ઓર્ડર મુજબનો ઉપરથી માલ નહી આવતા માર્કેટમાં થોડી અછત સર્જાઈ શકે છે એવું હોલસેલ વેપારીઓ જણાવી રહ્યા છે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ રેગ્યુલર ફટાકડા અને ફેન્સી ફટાકડાની વિશાળ રેન્જનો વેપારીઓ સ્ટોક કર્યો છે. ગત એપ્રિલ-મે મહિનાથી જ એડવાન્સ ઓર્ડરો આપવામાં આવ્યા હતા. છતાં આ વર્ષે 50 ટકા માલ સપ્લાય થયો હોવાનું વેપારીઓ જાણવી રહ્યા છે. રેગ્યુલર ફાટકડામાં બાળકોની રેન્જમાં ફુલઝર, પેન્સીલ, ચકકરડી, પોપઅપ, વાયર, તડતડીયા, ચાંદલીયા, ટેટા, લવીંગીયા, ઝાડના ભાવમાં 50 થી 60% નો વધારો થયો છે તો ફેન્સી ફટાકડા ઓની રેન્જમાં પિસ્તોલ, રાઈડર, 6 થી 1000 ધડાકા વાળા ઉંચે આકાશમાં ધડાકા સાથે ફુટતા ફટાકડાની ડિમાન્ડ રહેશે તેવું વેપારીઓનું અનુમાન લગાવી રહ્યા છે.
રેગ્યુલર ફટાકડાની રેન્જમાં ફુલઝર રૂ 10 થી 100, ઝાડ રૂ 10 થી રૂ100, ચકકરડી, રૂ 10 થી 200, અલગ અલગ રેન્જમાં ગન -પિસ્તોલ રૂ 10 થી રૂ 150ના ભાવ સામે ફેન્સી ફટાકડાના ભાવ રૂ 100 થી રૂ 140 ને પાર છે.હોલેસેલ વેપારીઓ ગત વર્ષની માફક આ વર્ષે શીવાકાશી ભરતપુર, રાજસ્થાન અને અમદાવાદ થી ફટાકડા, ગન, પિસ્તોલનાં ઓર્ડરો મુજબનો માલ મંગાવી સ્ટોક કરી દિધો છે.
પરંતુ ઓર્ડર મુજબમાં 50% જ માલ મળ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ભાવ વધારાનાં કારણે માલની અછત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી પર્વ આડે હવે ગણતરીના થોડા દિવસો જ રહ્યા છે. મોટાભાગે 10-15 દિવસ પહેલા ઠેર-ઠેર સ્થળોએ સ્ટોલમાં ફટાકડાનું રીટેઈલ વેંચાણ થતુ હોય છે. પરંતુ હજુ રીટેઈલ વેચાણ શરૂ થયું નથી, આગામી છેલ્લા સપ્તાહ એટલે કે સોમથી શનિવાર ફટાકડા ની માર્કેટ ઉચકાઈ તેવી વેપારીઓ આશા કરી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરમાં લાખો-કરોડો રૂપિયાનાં ફટાકડાના વેપારમાં સીઝન ફળે તેવી વેપારીઓને આશા છે. બજારમાં રેગ્યુલર અને ફેન્સી ફટાકડાની વિશાળ રેન્જ ઉપલબ્ધ હાજર સ્ટોકમાં હોવાથી દિવાળી પર્વ રંગબેરંગી રોશની સાથે આતશબાજીથી ઝળહળી ગુંજી ઉઠશે.
વાહનોમાં ફટાકડા ગ્રામ્ય વિસ્તારોમાં પહોચવા લાગ્યા: નાના વેપારીની ધૂમ ખરીદી
રાજકોટ સદર બજારમાં ફટાકડાની હોલસેલ દુકાનોમાં ગ્રામ્ય વિસ્તારના નાના મોટા વેપારીઓ ઉમરતા ફટાકડાની ડિમાન્ડ વધી ગઈ છે. વેપારીઓ દિવાળી તહેવારોમાં ફટાકડાનો વેપાર કરવા ખરીદી કરવા લાગ્યા છે.નાના મોટા વાહનોમાં ફટાકડાના બોકસ કાર્ટુન ભરાવા લાગ્યા છે.
હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 દિવસથી ફટાકડાની માંગ ખુબજ વધી ગઈ છે. ગ્રામ્ય અને તાલુકા વિસ્તારના વેપારીઓ પણ છુટક વેચાણ માટેના ફટાકડા ખરીદવા આવી રહ્યા છે. અને પોતાની જરૂરિયાત મુજબનાં માલની ખરીદી કરી રહ્યા છે શહેરી વિસ્તારો સાથે ગામડાઓમાં પણ ફટાકડાનાં અવાજોથી દિપાવલી પર્વ ગુંજી ઉઠશે.
– 50 થી વધુ હોલસેલ અને 400 થી વધુ રીટેઈલ વેપારીઓને સીઝન ફળવાની આશા
– તંત્ર પાસેથી લાયસન્સ મેળવવા વેપારીઓની દોડધામ
દિવાળી પર્વ નજીક આવતા જ ફટાકડાની ધીમે-ધીમે ડિમાન્ડ વધી રહી છે. હોલસેલ અને રીટેઈલ વેપારીઓના વેપારમાં ધીમે-ધીમે તેજી જોવા મળી રહી છે. ત્યારે દિવાળીના તહેવારોમાં સીઝન પુરતો વેપાર કરવા ઈચ્છુક વેપારીઓએ તંત્ર પાસેથી લાયસન્સ મેળવવા દોડધામ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરમાં 50 થી વધુ હોલસેલ અને 400 થી વધુ રીટેઈલ વેપારીઓ હોવાનો અંદાજ સાથે ફટાકડાનો કરોડો રૂપિયાનો વેપાર થવાનો છે. ગયાં એક અઠવાડિયાથી હોલસેલ માર્કેટમાં ફટાકડાની ડિમાન્ડ વધી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
માચીસ ગનની ખાસીયત એ છે કે તેમાં કોઈ તિખારા ઝરતા નથી ગન અને માચીસની સળીની કિંમત પણ મામૂલી હોવાથી ગરીબ-મધ્યમ વર્ગના સૌ કોઈ લોકોને પરવડે તેવી છે. આવી જ નવી વેરાયટી પોપઅપ પણ બાળકોમાં આકર્ષણ જમાવશે. આ બંને આઈટમોનું આ વર્ષે બજારમાં ધૂમ વેચાણ થવાની શકયતા છે.