Gujrat weather prediction: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત પર જોવા મળશે.
સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું
બીજી તરફ બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. (Gujrat weather prediction) આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા છે.
આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આજે 17 તાલુકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.
હાલ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યારસુધીમાં 168.84 મીમી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
10 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ શકે છે
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે.