– ખેડૂતો માટે દિવાળીમાં બેવડા ખુશખબર
– ખેડૂતોને દીવાળી પહેલાં જ પી.એમ.કિસાન યોજનાનો ૧૨મો હપ્તો પણ તેમનાં બેન્ક ખાતામાં જમા થઇ જશે
નવી દિલ્હી : દીવાળી પહેલાં ખેડૂતો માટે ખુબજ સારા ખુશખબર છે. દેશના આશરે 12 કરોડ ખેડૂતોનાં બેન્ક ખાતામાં દીવાળી પહેલાં જ PM કિસાન યોજનાનો 12મો હપ્તો જમા થઈ જશે. તો બીજી તરફ પોતાનું ટ્રેકટર વસાવવાનું તેમનું સ્વપ્ન પણ પૂર્ણ કરી શકશે.
PM કિસાન ટ્રેકટર યોજના ના લાભથી તેઓ આશરે અર્ધી કિંમતે નવું ટ્રેકટર ખરીદી શકશે. હકીકતમાં કેન્દ્ર એ રાજ્ય સરકારો, ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સારી કરવાની એક પછી એક યોજનાઓ ઘડી રહી છે.
વડા પ્રધાન કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે 20 થી 50% સુધીની સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી યોજના નીચે અપાતી રકમ ટ્રેકટરની મૂળકિંમત સાથે જોડાયેલી છે. પરંતુ ખેડૂતે તે ઉપર લાગુ પડતા GST અને અન્ય ખર્ચ ભોગવવા પડશે.
આ માટે સરકારે અરજીઓ માગી છે. તે સાથે ખેડૂતે પોતાનું આધાર-કાર્ડ, પેનકાર્ડ આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર બેન્ક ખાતાની વિગતો તથા પાસબુકની નકલ, તથા પાસપોર્ટ સાઇઝ ફોટો ફરજિયાત આપવો પડશે.
આ અંગે વધુ માહિતી માટે ખેડૂતે નજીકના કૃષિ વિભાગની ઓફીસનો સંપર્ક સાધવો તેમ પણ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે.
અર્ધી કિંમતે ટ્રેકટર મળે તે માટે જરૂરી બાબતો નીચે પ્રમાણે ધ્યાનમાં લેવી :
(1) ખેડૂતને પોતાની માલિકીની ખેતી યોગ્ય જમીન હોવી જરૂરી છે.
(2) બેન્ક-એકાઉન્ટ આધાર અને પાનકાર્ડ સંકળાયેલો હોવો જોઈએ.
(3) તે ખેડૂત કુટુમ્બની વાર્ષિક આવક ૧.૫ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.
(4) તેની પાસે પહેલાંથી જ ટ્રેકટર ન હોવું જોઇએ નહિતર તે આ યોજનાને પાત્ર ગણાશે નહિ.
(5) આવા એક ખેડૂતને એક જ ટ્રેકટર ખરીદવા માટે સબસીડી મળી શકશે.