સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ! – Market yard

વઢવાણ APMCમાં ચેરમેન સહિતની બોડી દ્વારા કપાસની હરાજીનો આરંભ કરાયો : જિલ્લાના જુદા જુદા માર્કેટ યાર્ડમાં કપાસ ઉપરાંત ગમગુવાર, તલના ભાવ પણ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.2 : સુરેન્દ્રનગર જિલ્લામાં નુતન વર્ષના તહેવારોની રજાઓ બાદ ખેત ઉત્પાદન બજાર સમીતી ફરીથી ધમધમતી થઈ ગઈ છે. જેમાં વઢવાણ APMCમાં મંગળવારે એપીએમસીના ચેરમેન સહીત તમામ લોકોની હાજરીમાં ખેડૂતોના કપાસની હરાજી શરૂ કરાઈ છે. વેપારીઓ પણ સારા કપાસ જોઈને કપાસના સારા ભાવ બોલતા નજરે પડયા હતા. જિલ્લામાં સૌથી વધુ કપાસનો સારો ભાવ વઢવાણમાં 1755 થી 2001 સુધી બોલાયો હતો. અંદાજે 4 હજાર મણની મંગળવારે APMCમાં આવક થઈ છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ હાઈવે પર આવેલુ વઢવાણ APMC જિલ્લાનું સૌથી મોટુ એપીએમસી છે. તાજેતરમાં જ વઢવાણ APMCની ચૂંટણી બાદ નવી બોડીએ સત્તાના સુકાન સંભાળ્યા છે. ત્યારે ચેરમેન રામજીભાઈ ગોહીલ અને વાઈસ ચેરમેન ઋષીરાજસીંહ રાણા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ દલવાડી, મહામંત્રી જયેશભાઈ પટેલ, એપીએમસીના સેક્રેટરી ડી.બી.ચુડાસમા સહીત તમામ લોકોની હાજરીમાં વર્ષ 2022માં કપાસની હરરાજીનો APMCમાં મંગળવારથી પ્રારંભ કરાયો હતો. ખેડૂતોને પોતાના ઉત્પાદનના પુરતા ભાવ પણ મળી રહે.

તે દીશામાં કામ કરતા ચેરમેન સહીતની બોડી દ્વારા કપાસની હરાજીનો શુભારંભ કરાતા જ વેપારીઓ કપાસને જોઈને તેના ભાવ બોલવા માંડયા હતા. APMCમાં દિવસભર કપાસની અંદાજે 4 હજાર મણ કરતા વધુની આવક થઈ હતી. અને કપાસનો ઓછામાં ઓછો ભાવ રૂપીયા 1755 પ્રતીમણ અને વધુમાં વધુ ભાવ રૂપીયા 2001 પ્રતીમણ સુધી બોલાયો હતો. કપાસના સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ હતી. આ અંગે APMCના ચેરમેન રામજીભાઈ ગોહીલે જણાવ્યુ કે, ખરો તોલ અને ખરા ભાવના સુત્ર સાથે અમારી બોડી ખેડૂતોને પોતાના ઉત્પાદનના સારામાં સારા ભાવ મળે એવા પ્રયાસો કરી રહી છે. આગામી દિવસોમાં વધુમાં વધુ ખેડૂતો પોતાના ઉત્પાદીત કપાસના પાકને વેચવા વઢવાણ APMCમાં આવશે.

ગમગુવાર અને તલના ભાવ સારા બોલાયા

વઢવાણ એપીએમસીમાં મંગળવારથી ખેત ઉત્પાદનોના વેચાણ અને હરરાજીનો પ્રારંભ થય ચૂક્યો છે. જેમાં કપાસ ઉપરાંત મંગળવારે ગમગુવાર અને તલની પણ સારી આવક થઈ હતી. એપીએમસીમાં ગમગુવારનો ભાવ પ્રતી મણ 600 થી 851 રૂપિયા સુધી અને તલનો ભાવ પ્રતી મણ રૂપીયા 2100 થી 2430 રૂપિયા સુધી બોલાયો હતો.

કપાસનો ભાવ પ્રતિ મણ રૂ.1,700થી 1,751 બોલાયો

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક લખતર ખાતેના APMCમાં પણ લાભ પાંચમ બાદ કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ટેકાનો ભાવ કપાસનો પ્રતી મપણ રૂપીયા 1276 નકકી કરાયો હતો. ત્યારે કપાસના ભાવ સારા મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. લખતર APMCમાં દરરોજ 70 થી 100 જેટલા ખેડૂતો 3500 થી 5 હજાર મણ કપાસ પોતાના ટ્રેકટરમાં ભરીને વેચવા માટે આવે છે. ત્યારે મંગળવારે APMCમાં કપાસનો ભાવ પ્રતી મણ રૂ. 1700 થી રૂ. 1751 બોલાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. લખતર APMCમાં ખેડૂતો કે વેપારીઓ પાસેથી કોઈપણ જાતનો ટેકસ વસુલવામાં આવતો ન હોવાથી ખેડૂતોને રાહત પણ મળી છે.

4 હજાર મણ કપાસની આવક

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ ચોટીલા APMCમાં દિવાળીના તહેવારો બાદ ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના કપાસ લઈને વેચાણ અર્થે મંગળવારે આવી પહોંચ્યા હતા. APMCમાં કપાસના ભાવ રૂ 1500 થી રૂ. 1680 સુધીના પ્રતી મણ બોલાયા હતા. કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

Leave a Comment