હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બર ગુરુવારે મતગણતરી થાય તે પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં અલગ અલગ તારણો નિકળતાં ભાજપ સક્રિય થઈ ગયો છે તેવું જાણવા મળ્યું છે. કેટલાક પોલ ભાજપની જીતની આગાહી કરે છે તો કેટલાક પોલ કોંગ્રેસની જીતની પણ આગાહી કરે છે. તેના પગલે ભાજપે બળવાખોર નેતાઓનો સંપર્ક સાધવાની ક્વાયત પણ હાલમાં શરૂ કરી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક સોમવારે દિલ્હીમાં શરૂ થઈ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં જે.પી. નડ્ડા અને નરેન્દ્ર મોદી પણ હાજર જોવા મળ્યા હતા. તેમની સૂચનાથી જ આ નિર્ણય લેવાયો એવું માનવામાં આવે છે.
આ બેઠકમાં હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ સુરેશ કશ્યપ, ભાજપ પ્રભારી અવિનાશ રાય ખન્ના અને સહ-પ્રભારી સંજય ટંડન પણ હાજર જોવા મળ્યા હતા. ત્રણેયને શક્ય એટલા તમામ બળવાખોરો સાથે સંપર્ક કરીને જરૂર પડે તો તેમનો સાથ લેવાની તૈયારી કરવાનું પણ કહેવાયું છે. આ ઉપરાતં જરૂર પડશે તો નડ્ડા પણ આને લાગતી તમામ વાત કરશે. હિમાચલ પ્રદેશમાં રવિવારે ધર્મશાલામાં પાર્ટીના ઉમેદવારોની મીટીંગ યોજાઈ હતી. તેના આધારે સુરેશ કશ્યપે પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ સોપી દીધો છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બુધવારે મતગણતરી હાથ ધરાવાની છે તેથી રાજકીય ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મતદાન પત્યા પછી આવેલા MCDની ચૂંટણીના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતનો દાવો કરવામાં આવ્યો છે. શરૂઆતના વિશ્વની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન એવી MCDમાં 15 વર્ષ પછી ભાજપના હાથમાંથી સત્તા જતી રહેશે એવું મોટા ભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવે છે.
MCDની કુલ 250 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 145 કરતાં વધારે બેઠકો મળશે એવું તમામ એક્ઝિટ પોલ કહે છે. ભાજપ બીજા સ્થાને રહેશે જ્યારે કોંગ્રેસનો સાવ સફાયો થઈ જશે. આપ MCDમાં જીતશે તો ઈતિહાસ રચાશે કેમ કે આપ પહેલી વાર કોઈ મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર પોતાનો કબજો કરશે.
આ એક્ઝિટ પોલના કારણે આપ ખુબજ ઉત્સાહમાં છે જ્યારે ભાજપનો દાવો છે કે, એક્ઝિટ પોલ સાચા પડતા નથી. દિલ્હીમાં પણ એવું જ જોવા મળશે અને ભાજપ જીતશે. આપના નેતા કટાક્ષ કરી રહ્યા છે કે, ભાજપના નેતા ગુજરાતના એક્ઝિટ પોલ સાચા માને છે પણ દિલ્હીના પોલને સ્વીકારવા માટે તૈયાર નથી.