ધન સંક્રાંતિએ ભગવાન ભાસ્કરના દિવાકર સ્વરૂપની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય રહે છે અને લાંબી ઉંમર વય મર્યાદા વધે છે
14 જાન્યુઆરી સુધી સૂર્ય અને શનિનો દ્વિર્દ્વાદશ મોટો યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહ સ્થિતિને અશુભ માનવામાં આવે છે.
17 ડિસેમ્બરના રોજ એટલે કાલે સૂર્યદેવ સવારે 9.58 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે. જેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રાશિમાં સૂર્યદેવ 14 જાન્યુઆરી આવે ત્યાં સુધી રહેશે. તે પછી સૂર્ય મકર રાશિમાં પણ પ્રવેશ કરશે. આ એક મહિનાના સમયગાળામાં તીર્થ સ્નાન, દાન અને પૂજાનું મહત્ત્વ વધારે માનવામાં છે. સૂર્યના કોઇ રાશિમાં પ્રવેશને સંક્રાંતિ કહેવામાં આવે છે અને જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ એવું કહેવામાં આવે છે. આ સમયગાળો માગશર કે પોષ મહિનામાં આવતો હોય છે. ધન સંક્રાંતિ પર્વ હેમંત ઋતુમાં ઊજવવામાં આવે છે. જે આ વર્ષે 17 ડિસેમ્બરના રોજ એટલે કાલે છે. આ સાથે જ આજથી સૂર્ય-શનિનો અશુભ યોગ પણ શરૂ થયો છે. જ્યોતિષીય ગ્રંથો અને વિદ્વાનો પ્રમાણે આ બંને ગ્રહ એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. આ ગ્રહ સ્થિતિના લીધે દેશમાં રાજનૈતિક અને આર્થિક ઉતાર-ચઢાવ તો આવશે જ વાતાવરણમાં પણ ફેરફાર થઈ શકે છે.
માંગલિક કાર્યો થઈ શકશે નહીં
સૂર્ય ગ્રહના ધન રાશિમાં પ્રવેશ કરવાથી ધનુર્માસની શરૂઆત થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર માન્યતા પ્રમાણે ધનુર્માસને શુભ માનવામાં આવતો નથી. એટલે કે આ સમયગાળા દરમિયાન શુભ, માંગલિક કાર્યો કરવાની ખાસ મનાઈ હોય છે. આ દરમિયાન હિંદુ ધર્મમાં જણાવેલ બધા માંગલિક સંસ્કાર વર્જિત રહે છે. જેમાં ખાસ કરીને મુંડન, લગ્ન, સગાઈ, જનોઈ, નામકરણ, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ અને ગૃહ પ્રવેશ સહિત અન્ય શુભ કામ પણ સામેલ હોય છે.
મકર સંક્રાંતિએ ધનુર્માસ પૂર્ણ થશે
17 ડિસેમ્બરથી શરૂ થતો ધનુર્માસ વર્ષ 2023ના પહેલાં મહિનામાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે જ પૂર્ણ થઇ જશે. પંચાંગ પ્રમાણે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવી જશે ત્યારે મકર સંક્રાંતિ કેહવાય. આ દિવસે ધનુર્માસ પૂર્ણ થઈ જશે. 14 જાન્યુઆરીએ રાત્રે 9 વાગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.
ભાગવત કથા, પારાયણ, ભજન કીર્તન કરી શકાશે
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ પરિભ્રમણ દરમિયાન તમામ શુભ કાર્યો (માંગલિક) અમાન્ય ગણાય છે, કારણ કે સૂર્યનું ભ્રમણ ગુરુની રાશિમાં પ્રવેશ કરવાથી નૈસર્ગિક રીતે સૂર્યનું બળ કંઈક અંશે ઘટી જતું હોય છે, જેથી શુભ કાર્ય કરવાથી બરકત રહેતી નથી. જોકે આ સમયમાં ભાગવત કથા, પારાયણ, ભજન, સત્યનારાયણની કથા રાંદલના લોટા નવગ્રહની પૂજા તેમ જ નવગ્રહ શાંતિ કર્મ વગેરે કરી શકાય છે.
સૂર્યના દિવાકર સ્વરૂપની પૂજા
ધન સંક્રાંતિના દિવસે સૂર્યદેવના દિવાકર સ્વરૂપની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. આ પર્વમાં પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવાથી મનુષ્યો દ્વારા કરવામાં આવેલાં ખરાબ કર્મ કે પાપથી મુક્તિ મળે છે એવું કહેવામાં આવે છે. સાથે જ, આ દિવસે પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યની જેમ ઉજળું અને ચમકવા લાગે છે. ધન સંક્રાંતિએ ગૌદાન સાથે જ જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર અને અનાજદાન કરવાની પણ પરંપરા માનવામાં આવે છે, તેનાથી અક્ષય પુણ્ય મળે છે
પૂજા વિધિ
• સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો પછી ઉગતા સૂર્યને જળ અર્પણ(ચઢાવો) કરો.
• પૂજા કરે અને આખો દિવસ વ્રત અને દાન કરવાનો સંકલ્પ લેવો.
• પીપળા અને તુલસીને જળ ચઢાવો. ત્યારબાદ પછી ગાયને ઘાસ-ચારો અથવા અનાજ ખવડાવો.
• જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવો અને કપડાનું દાન પણ કરી શકો છો.
• સૂર્યોદય પછી બે પ્રહર વિતી ગયા પહેલાં એટલે દિવસમાં 12 વાગ્યા પહેલાં પિતૃઓની શાંતિ માટે તર્પણ અને નમન કરવું જોઇએ.
સંક્રાંતિ પર્વમાં ગૌદાનનું મહત્ત્વ
ધન સંક્રાંતિ પર્વ ઊજવનાર લોકોએ દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું ખાસ જરૂરી છે. આખો દિવસ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું અને એવી કોશિશ કરવી જોઇએ કે આ દિવસે મીઠાનું સેવન ન કરો. આ પર્વમાં ભગવાન સૂર્ય, વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઇએ. આ સિવાય પિતૃ શાંતિ માટે તર્પણ અને નમન કરવાનું પણ મહત્ત્વ છે. ધન સંક્રાંતિ એ ગૌદાન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જૂના ગ્રંથો પ્રમાણે આ સંક્રાંતિએ ગૌદાનથી દરેક પ્રકારના સુખ મળે છે. દરેક પાપ દૂર થાય છે અને પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. ગૌદાન ન કરી શકો તો ગાય માટે એક કે વધારે દિવસના ચારાનું દાન પ્રદાન કરો. આ પ્રકારે દાન કરવાથી પાપ ધોવાય જાય છે.
આ ઉપાય પણ કરી શકો છો
• ધન સંક્રાંતિએ માછલીઓને તળાવમાં લોટની ગોળીઓ બનાવીને નાખો. કીડી માટે ખાંડ મિશ્રિત લોટ રાખો અને ખવરાવો.
• આ દિવસે વ્રત રાખવું અને સાંજના સમયે મીઠા વિનાનું ભોજન કરવું જેથી આવું કરવાથી શુભફળ મળી શકે છે.
• પીપળા અને તુલસીની પૂજા કરો અને બંને ઉપર જળ ચઢાવવું અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો.
• સંક્રાંતિ પર્વમાં પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને નમન વગેરે કરવાનું વિધાન છે.