– સિઝનના પ્રથમ કપાસની હરાજી શરૂ થઈ ગઈ. ડોળાસા સબ માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને 20 કિલો કપાસના 2260 રૂપિયા મળ્યા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ.
• ડોળાસા યાર્ડમાં કપાસની આવક
• પ્રથમ દિવસે 500 મણ કપાસની આવક
• પ્રતિ મણ 2260 સુધી મળ્યા ભાવ
ખેડૂતોનું સફેદ સોનું એટલે કપાસ…જેની કોડીનાર તાલુકાના ડોળાસા સબ યાર્ડ ખાતે હરાજી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ખેડૂતોને પ્રતિ મણ ઉંચામાં ઉંચા ભાવ 2250 અને નીચામાં નીચા ભાવ 1860 જેટલા મળ્યા હતા. આ પ્રકારના બજાર ભાવ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ ખૂબ સારા માનવામાં આવી રહ્યા છે. હરાજીનો પ્રથમ દિવસ હતો ત્યારે કાલના દિવસે 500 મણ કપાસની આવક ડોળાસા સબ યાર્ડમાં થઈ હતી. આગામી દિવસોમાં હજુ પણ કપાસને આવક વધવાની પૂરી શક્યતાઓ ખેડૂત અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ એ વ્યક્ત કરી રહ્યા છે.
ખેતીમાં ખર્ચો વધ્યો તે પ્રમાણે ભાવ નથી.
ખેડૂતોનું કહેવું છે પાછલા વર્ષો કરતા ભાવ સારા મળી રહ્યા છે પરંતુ ખર્ચ અને મહેનત પ્રમાણે ભાવ ઓછા મળી રહ્યા છે. કપાસમાં ભેજ લાગવાના કારણે હાલ ભાવ ઓછા મળી રહ્યા હોવાની વાત કહી હતી. તેમજ વરસાદ અને ઈયળના ત્રાસના કારણે ઉત્પાદન ઓછુ હોવાથી ભાવ વધુ આપવાની ખેડૂતોએ માગ કરી હતી. અને ખેડૂતોનું કહેવુ છે કે ખેતીમાં જે પ્રમાણે ખર્ચ વધ્યો છે તે પ્રમાણે ભાવ મળતા નથી. ખેડૂતોએ માંગ કરી હતી કે 1 મણ કપાસના 3000 રૂપિયા ભાવ મળવો જોઈએ.
18 હજાર 940 હેક્ટરમાં કપાસનું વાવેતર
કમોસમી વરસાદ અને કપાસના પાકમાં ઈયળના ત્રાસને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. જેથી ખેડૂતોનું કહેવું છે કે નુકસાનીને કારણે પૂરો પાક ઉતરતો નતી કોઈને 50 ટકા અથવા કોઈને માંડ વધુમાં વધુ 80 ટકા પાક ઉતરે છે. તેમાં પણ ભેજ લાગી જવાના કારણે નુકસાન સહન કરવું પડે છે જેથી જો સારા ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થાય.ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારને લીલી નાઘેર તરીકે કૃષિ જગતમાં ઓળખવામાં આવે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી મગફળીની સાથે હવે કપાસનુ વાવેતર પણ સતત વધી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી અપૂરતા ભાવ અને વધુ ખર્ચના કારણે કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ચાલુ વર્ષે જિલ્લામાં કપાસનું નોધપાત્ર 18 હજાર 940 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.
કમોસમી વરસાદ, ઈયળનો ત્રાસ તેમજ કપાસમાં આવેલા રોગને કારણે કપાસના પાક ઉપર માઠી અસર પડી છે. તેમ છતાં આજે ડોળાસા માર્કેટિંગ યાર્ડમાં સારા કપાસના બજાર ભાવ 2,260 સુધી જોવા મળ્યા હતા. પ્રથમ દિવસના ભાવને લઈ કેટલાક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જ્યારે મોટાભાગના ખેડૂતો ખર્ચ પ્રમાણે વધુ સારા ભાવની માંગ કરી હતી.