સરકારે પોસ્ટ ઓફિસની કેટલીક નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો છે. એને લઈ હવે નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ પર 6.6%ને બદલે 6.7% વાર્ષિક વ્યાજ મળશે. આ યોજનાની સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તમારા માટે દર મહિને આવકની વ્યવસ્થા કરી શકો છો. તો ચાલો… આ વિશે વધુ માહિતી જાણીએ…
Post Office Scheme : લઘુતમ 1 હજાર અને મહત્તમ 9 લાખ રૂપિયાનું રોકાણ
આ યોજના હેઠળ એકાઉન્ટ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખોલી શકાય છે, વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા સુધી તમારું સિંગલ એકાઉન્ટ ખોલી શકાય છે તેમજ જો તમારું જોઈન્ટ એકાઉન્ટ છે તો એમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
દર મહિને 5 હજારથી વધુની આવક
એના પર 6.7% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. વાર્ષિક વ્યાજને 12 મહિનામાં વહેંચવામાં આવે છે અને આ રકમ તેમને દર મહિને મળે છે. જો તમે માસિક પૈસા ઉપાડશો નહીં તો એ તમારા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં રહેશે અને મૂળ કિંમત સાથે આ રકમ ઉમેરવાથી તમને વધુ વ્યાજ મળશે.
ધારો કે જો તમે આ સ્કીમ હેઠળ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને વાર્ષિક 6.7 ટકાના દરે 30,150 રૂપિયાનું વ્યાજ મળશે. એ જ સમયે જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં 9 લાખનું રોકાણ કરો છો, તો તમને 60,300 રૂપિયા વર્ષનું વ્યાજ મળશે. જો તમે એને 12 મહિનામાં સમાન રીતે વહેંચો છો, તો તમને દર મહિને 5,025 રૂપિયાનું રિટર્ન મળશે. જો તમે રિટર્નને વિડ્રો નથી કરતા તો એના પર વ્યાજ પણ મળે છે.
એકાઉન્ટ કોણ ખોલાવી શકે?
આ એકાઉન્ટ સગીરના નામે ખોલી શકાય છે અને 3 પુખ્ત વયના લોકોના નામે પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે પણ માતાપિતાની દેખરેખ હેઠળ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
આ યોજનામાં એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?
• આ માટે સૌથી પહેલા તમારે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડશે.
• આ પછી પોસ્ટ ઓફિસમાંથી નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ માટે એક ફોર્મ ભરવાનું રહેશે.
• ફોર્મ સાથે એકાઉન્ટ ખોલવા માટે નક્કી કરેલી રકમ માટે રોકડ અથવા ચેક જમા કરો.
• એ પછી તમારું એકાઉન્ટ ખોલવામાં આવશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કેટલા વર્ષમાં પૈસા ડબલ થશે?
આમાં રોકાણ કરવા પર તમને મહત્તમ 6.7% વ્યાજ મળી રહ્યું છે. એવામાં રૂલ ઓફ 72 અનુસાર, જો તમે આ યોજનામાં પૈસા રોકો છો, તો પૈસા ડબલ થવામાં લગભગ 10 વર્ષ 8 મહિનાનો સમય લાગશે.
શું છે રૂલ ઓફ 72?
એક્સપર્ટ આને સૌથી સચોટ નિયમ માને છે, જે નક્કી કરે છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થશે. તમે આને એવી રીતે સમજી શકો છો કે જો તમે બેંકની કોઈ ચોક્કસ યોજના પસંદ કરી છે. જ્યાં તમને વાર્ષિક ટકાવારી વ્યાજ મળી રહ્યું છે, તો તમારે રૂલ ઓફ 72 હેઠળ 72ને 8 વડે ભાગવું પડશે. એટલે કે 72/8 = 9 વર્ષ, એટલે આ યોજના હેઠળ તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઈ શકે છે.
નોંધ: આ યોજના પર મળતા રિટર્નની ગણતરી અંદાજિત રીતે કરવામાં આવી છે.