ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આવતી 28 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં આ માટે બિલ લવાશે.
હવે થી સ્કૂલોમાં ગુજરાતી ભાષા થઈ જશે ફરજિયાત
28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં લવાશે બિલ
ધોરણ 1 થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત અને
હવેથી રાજ્ય (Gujarat) ની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે.
23 ફેબ્રુઆરીના રોજ એટલેેકે આજે વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. જેમાં સરકાર વિવિધ બિલો રજૂ કરશે. જે અંતર્ગત 27 ફેબ્રુઆરીના દિવસે ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે તો 28મી ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. ધોરણ 1થી 8માં હવેથી ગુજરાતી ભાષા ફરજિયાત બનાવવા માટેનું બિલ લાવવામાં પણ આવશે.
વિધાનસભા સત્ર મુજબ 25 દિવસમાં 27 બેઠકો યોજાશે
તમને જણાવી દઇએ કે, આ માટે 7 માર્ચે 2 બેઠક અને સવારે એક સત્રનું પણ આયોજન કરવામાં આવશે. મહત્વનું એ છે કે, વિધાનસભા આ સત્રના 25 દિવસમાં 27 બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ પોતાનું મહત્વનું નિવેદન આપ્યું હતું.
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરેએ પણ જણાવ્યું હતું કે, ‘આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદનાની ભાષા છે અને સમન્વયની ભાષા છે. એટલે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવું દરેક કવિઓ કહે છે.
વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન પણ કરશે.’
આવી શાળાઓ સામે કાર્યવાહી થશેઃ શિક્ષણમંત્રી
રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે,’રાજ્યના દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત કરવો જરૂરી છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નથી આવતો તેની સામે કાર્યવાહી થશે’
‘ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે’
તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્યું હતું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોની રજૂઆત પણ મળી છે. જેથી ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી તમામ શાળાઓ સામે પગલા લેવાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા નો આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. જો કે, ત્યારબાદ હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે પૂરી તૈયારી બતાવી છે.
ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાના મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત પણ હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે ‘ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરી દેશું.’