ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ગણતરીના દિવસોજ બાકી છે. ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં ફરી ભવિષ્યવાણી કરી છે. તેમણે લેખિતમાં દાવા સાથે કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે. અગાઉ અમે પંજાબ અને એ અગાઉ 2014ની ચૂંટણીમાં પણ દાવો કર્યો હતો અને એ સાચો પડ્યો હતો. આ વખતે પણ મારી વાણી સાચી સાબિત થશે તેમ વધુમાં કેજરીવાલ બોલ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં પાર્ટી આગામી સરકાર બનાવશે અને આવતા વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આપ સુપ્રિમોએ સુરતની એક હોટેલમાં પત્રકાર પરિષદ સંબોધતાં આ વાત કરી હતી. તેમણે OPS લાગુ કરવા માટે પંજાબમાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સરકારી નોટિફિકેશન દર્શાવતા જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં અમારી સરકાર બનાવીશું અને 92 બેઠકો જીતીશું. અમે 31 જાન્યુઆરી, 2023 સુધીમાં ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ (OPS) લાગુ પણ કરીશું. આગામી ચૂંટણીમાં, પ્રથમ વખત, મોટી સંખ્યામાં ભાજપના મતદારો AAPને મત આપશે. તેમણે ઉમેર્યું. મેં એક પત્રકારને ભવિષ્યવાણી કરી હતી અને લેખિતમાં આપી હતી કે કોંગ્રેસને દિલ્હીમાં શૂન્ય બેઠકો મળશે અને અમે સરકાર બનાવીશું. પરિણામો તમારી સામે છે.
ગુજરાતમાં આપની સરકાર બનશે
અરવિંદ કેજરીવાલની એક આદત રાજકીય રીતે ખૂબ જ ચર્ચામાં આવી રહી છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે જાહેરમાં લખીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની રહી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના પંજાબના સીએમ ચન્ની બંને બેઠકો પરથી હારશે. સૌ કોઈ આ બાબતને લઈને આશ્ચર્યમાં મુકાયું હતું પરંતુ પરિણામ એ જ મુજબ જોવા મળ્યા હતાં. આજે ફરી એક વખત તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનું લખીને પત્રકારો સમક્ષ મૂક્યું હતું. કેજરીવાલ પોતે કહી રહ્યા છે કે, મારી ભવિષ્યવાણી સાચી પડી રહી છે અને આ ભવિષ્યવાણી પણ સાચી પડશે.
સરકારી કર્મચારીઓએ મત આપવા કહ્યું
કેજરીવાલે કહ્યું કે, જે રાજ્યમાં સરકારી કર્મચારીઓ જેની સત્તા લાવવા મટે ઇચ્છતા હોય છે, તેની સરકાર બને છે. આ વખતે ગુજરાતમાં કર્મચારીઓ સરકારથી નારાજ છે અને તેઓ પણ પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે આમ આદમી પાર્ટી સાથે જ છે. ત્યારે કેજરીવાલે સ્પષ્ટ કહ્યું કે, હું તમામ કર્મચારીઓને અપીલ કરું છું કે, તમે જેટલા પણ વ્યક્તિઓને મળો તેમને આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરો.
કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરાશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબની અંદર તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનવા જઈ રહી છે. ત્યારે તરત જ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. હું અન્ય કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓને પણ આશ્વાસન આપું છું કે, તમારા જે પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ પણ લાવીશ.
ડરેલો ભાજપ હુમલા કરાવે છે
કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપ પોતાની હાર ભાળી ગયો છે. જેથી ડરનો માહોલ પેદા કરવા માટે થઈને આપના કાર્યકરો પર હુમલા કરાવે છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા ડરનો માહોલ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આપની મજબૂતી જોઈને હવે તમામ ભાજપીઓ બોખલાઈ ગયા છે. પરંતુ લોકોનો ડર આપને જિતાવીને રહેશે અને ભાજપના અહંકારને નાશ કરશે.
કોંગ્રેસને મતદાર મળતો નથી
જે રાજ્યમાં સરકારી કર્મચારીઓ જે પક્ષ સાથે હોય છે તે પક્ષની સરકાર બને છે. હાલમાં બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે તેમાં દરેક મત આપને પડે તેવી અપીલ કરી હતી અને તેની સાથે સાથે દરેક સરકારી કર્મચારીઓ આમ આદમી પાર્ટીના મતદાન માટે કામ કરે તેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી રાજકીય ભવિષ્યવાણી પંજાબ અને દિલ્હીમાં સાચી પડી છે અને ગુજરાતમાં પણ અમારી સરકાર બનશે તેવી મારી ભવિષ્યવાણી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 92 સીટ સાથે સરકાર બનાવશે જ્યારે ભાજપ 92 બેઠકની નીચે રહી શકે છે. જોકે, કોંગ્રેસ અંગે તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ કોંગ્રેસનો મતદાર શોધતા પણ મળતો નથી તેવી હાલત છે.
લોકો ભાજપથી ગભરાય છે: કેજરીવાલ
સુરતમાં પત્રકાર પરિષદ દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનો દરેક મતદાર આપને મત આપવા માટે મન બનાવી રહ્યો છે. જે કોઈ જાહેરમાં ભાજપને મત આપવાની વાત કરે છે તેની સાથે પાંચ મિનિટ વાત કરવામાં આવે તો ત્યાર બાદ તે કહે છે હું પણ આપને મત આપીશ પરંતુ ભાજપવાળા હુમલો કરે તેનાથી ડરીને ખુલ્લેઆમ બોલી શકતા નથી. આખું ગુજરાત હવે પરિવર્તન માગી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાઈ રહ્યા છે. 27 વર્ષના ભાજપના કુશાસન પછી હવે લોકોને ભાજપથી મુક્તિ મળશે તેમ પણ તેઓએ કહ્યું હતું.