માઠા સમાચાર / હવેથી આ રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા થશે નહીં પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો, જાણો શું છે કારણ

મોદી સરકાર દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે જેમાં એક છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરીને ખેડૂતોને આર્થિક સહાય કરે છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના લાભાર્થીએને પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તો જમા થશે નહીં તેવા અહેવાલ સામે આવી રહ્યા છે કેમ કે, આ રાજ્યના મોટાભાગના ખેડૂતોએ હજી સુધી ભૂલેખ અને વેરિફિકેશન અને સાથે e-kyc કરાવ્યું નથી.

8 લાખ ખેડૂતો રહેશે વંચિત

હાલમાં સંસદના બંને લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જેમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, હાલમાં છત્તીસગઢ રાજ્યમાં 27,43,708 ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે જોકે, આગામી સમયમાં માત્ર 19,75,340 ખેડૂતોને જ 13મો હપ્તો મળવાની અપેક્ષા છે કેમ કે બાકીના ખેડૂતોનું ભૂલેખ વેરિફિકેશન અને e-kyc કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, જે લાભાર્થી ખેડૂતે અત્યાર સુધી ભુલેખ વેરિફિકેશન અને e-kyc નથી કરાવ્યું તેમને 13મા હપ્તાનો લાભ મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા જમા કરી રહી છે પરંતુ એટલું જ નહીં લગભગ 10 કરોડ જેટલા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં ખેડૂતોને 12 હપ્તાના પૈસા મળ્યા છે દિવાળીના સમયમાં પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો જમા કર્યો હતો ત્યારે હવે સરકાર આગામી હપ્તો 26 જાન્યુઆરી 2023 પહેલા રિલીઝ કરી શકે છે.

Leave a Comment