Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ બનવાથી ગુજરાતને લાભ મળવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. જેમાં તેઓ આ વખતે મેઘરાજા સમગ્ર ગુજરાતને ‘તરબોળ’ કરશે તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. એટલે કે આગામી દિવસમાં રાજ્યમાં ચોમાસા જેવો સાર્વત્રિક વરસાદનો માહોલ ઉભો થઈ શકે છે.
હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રયે મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)માં છૂટોછવાયો વરાસાદ થવાની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છનું હવામાન 16મી સપ્ટેમ્બર સુધી સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગની વેબસાઈટ પર મંગળવારે કરાયેલી આગાહીમાં 17 અને 18 તારીખમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Weather Forecast
16 તારીખ સુધીની હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી આગાહીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. આ ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે.
રામાશ્રયે આગામી સમયના હવામાન અંગે વાત કરીને ગુજરાત માટે ખુશીના સમાચાર આપ્યા છે. બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ ઉભી થવાની અને તેની અસર ગુજરાત પર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે દરમિયાન સૌરાષ્ટ્ર સહિત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે
હવામાન વિભાગે મંગળવારે કરેલી આગાહીમાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપી નથી, એટલે કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ કે પછી માછીમારો માટે ચેતવણી આપવામાં આવી નથી. રાજ્ય તરફ જે સિસ્ટમ આવી રહી હતી તે વિખેરાઈ જતા વરસાદનું જોર પાછલા દિવસોથી ઘટી ગયું છે.