હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
• આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે
• આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા
• 15 – 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર
કમોસમી વરસાદની માથાકૂટે રાજ્યભરમાં જાણે મોકાણ માંડી છે. એક બાદ એક માવઠાની અસરની આગાહીઓ અંગે હવામાન વિભાગ દ્વારા અનેક આગાહીઓ કરવામાં આવી રહી છે. આથી માવઠું કેડો ન છોડતું હોય તેવું પણ લાગી રહ્યું છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ફરી નવી આગાહી કરવામા આવી છે. બાદમાં આકાશમાંથી અગનગોળા વરશે તેવા આકરા તાપની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો પણ દેખાઈ રહ્યા છે.
આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી
ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા સુરત, નવસારી, વલસાડમાં વરસાદ આવી શકે છે. જેને લઈને આ વિસ્તારના ખેડૂતો પણ સતર્ક કરી દીધા છે. વધુમાં આવતીકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બીજી તરફ ગરમીને લઈને પણ હવામાન વિભાગે વરતારો વ્યાકત કર્યો છે. જેમા આગાહી મુજબ 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેની અસરને લઈને આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પર 41 ડિગ્રીને પાર જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.
છાશ, શેરડી રસ, બરફના ગોલાની માંગ વધી
અમદાવાદમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે અમદાવાદમાં જ્યાં પણ રસ્તા પર નજર કરીએ ત્યાં છાશ, શેરડીનો રસ, બરફના ગોલા કે સોડાની લારીઓ પાસે લાઈનો જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે જે રીતે ગરમીનું સતત પ્રમાણ વધી રહ્યું છે તે જોતા હજુ આવનારા દિવસોમાં ગરમીનું જોર વધશે અને લોકએ વધુ ગરમી સહન કરવાનો વારો આવશે.