Weather Updates: ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ દેશમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગરમી તો ક્યાંક કરા પડવાના કારણે હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે.
અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની દિશામાં ગતિ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં હાલના સમયમાં બેવડી ઋતુના કારણે લોકોને સમજાતું નથી કે ગરમીથી બચવું કે પછી ઠંડીથી. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત્ કરવામાં આવી રહી છે.
દેશમાં 15 માર્ચની આસપાસ જેટલું તાપમાન હોય તેટલું ફેબ્રુઆરી મહિનામાં જ જોવા મળી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આકરી ગરમી પહેલા જ તેનું ટ્રેલર સામે આવી રહ્યું છે.
22મી તારીખે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જેમાં અમરેલી અને વલસાડમાં પારો 38 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનું જોર હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ઓછું છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
અમદાવાદ કરતા ગાંધીનગર વધુ ગરમ રહ્યુંઃ મહત્તમ તાપમાન અમદાવાદમાં 35 ડિગ્રી નોંધાયું હતું ત્યારે ગાંધીનગરમાં આ આંકડો 37 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જોકે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન પણ ગાંધીનગરનું 16 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય મહત્તમ તાપમાનની વાત કરીએ તો કંડલા (પોર્ટ), રાજકોટ, મહુવા, વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે બુધવારે જણાવ્યું કે, બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમીનો અહેસાસ થશે. જોકે, આ પછી અઠડિયાના અંતમાં ગરમીનો પારો ઉપર જશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે. ગુજરામાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
દેશમાં ગરમી, હિમવર્ષા અને વરસાદી મિજાજ: ફેબ્રુઆરી મહિનાની વિદાય વેળાએ ઠંડીની પૂર્ણાહુતિ અને ગરમીની શરુઆત થઈ રહી છે, પરંતુ દેશમાં ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ અને કરાના કારણે બદલાતો મિજાજ જોવા મળી રહ્યો છે. શિમલામાં કરા પડતા અને બદ્રીનાથમાં હિમવર્ષા થવાથી મોસમનો મિજાજ બદલાયો છે. બદ્રીનાથમાં બે દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે.
આ તરફ દેહરાદૂનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અચાનક પડેલા વરસાદના કારણે લોકોને સમજાતું નથી કે આવી સ્થિતિમાં ઠંડીથી બચવું કે વરસાદથી બચવું જોઈએ. આ તરફ રાજધાની દિલ્હીમાં ધુમ્મસ છવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજસ્થાનમાં ફેબ્રુઆરીમાં ગરમીનું ટ્રેલરઃ દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષા અને વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાજસ્થાનમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. મે અને જૂન આવે તે પહેલા અહીં લોકોને ગરમીનું ટ્રેલર જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે ફેબ્રુઆરીમાં ગરમી જોવા મળી રહી છે તેના કારણે મે અને જૂનમાં ચામડી બાળી નાખે તેવી ગરમી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.