સુરતના પલસાણામાં બે કલાકની અંદર 3 ઇંચ વરસાદ,લોકોનું જનજીવન ખોરવાયું

~ ખેડૂતો મુકાયા ચિંતામાં : સુરતના મહુવામાં 0.5, માંડવી, બારડોલીમાં પાંચ મીમી વરસાદ : સુરત સિટીમાં વરસાદી વિરામ

સુરત જિલ્લામાં શરૂ થયેલા પાછોતરા વરસાદમાં કાલે દિવસના બે કલાકમાં પલસાણા તાલુકામાં ત્રણ ઇંચ સહિત આખા દિવસ દરમ્યાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા તમામ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળવાની સાથે વિયર, કોઝવે છલકતા જનજીવનને વ્યાપક અસર પડી હોય તેવું દૃશ્ય ઊભું થયું હતું. અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ઝીંકાયો હતો.

ફ્લડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી થઇ છે. આ આગાહી વચ્ચે સુરત જિલ્લાના કોઇને કોઇ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદના બદલે ભારે અને ધમાકેદાર વરસાદ ઝીંકાઇ રહ્યો છે.

કાલે દિવસના પલસાણા તાલુકામાં સવારથી જ મેઘરાજા કોપાયમાન બન્યા હોઇ તેમ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાવાની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદનું જોર આખો દિવસ જોવા મળ્યું હતુ. પરંતુ સવારે 10 થી 12 વાગ્યે બે કલાકમાં મેઘરાજા આક્રમક બનીને વરસતા બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. એકધારા વરસાદ ના કારણે જનજીવન ખોરવાયુ હતુ.

ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ કેટલાક ગામોની ફરતે પણ પાણી ભરાય ગયાં હતા. પલસાણામાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 3.52 ઇંચ વરસાદી પાણી પડતા ખેડુતો ચિંતામાં મુકાયા હતા. આજના વરસાદની સાથે જ પલસાણા તાલુકામાં 92.56 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય મહુવા તાલુકામાં અડધો ઇંચ, માંડવી અને બારડોલીમાં 5 મિ.મિ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં મેઘરાજાએ આરામ ફરમાવ્યો હતો. પરંતુ જયારે સુરત શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ.

Leave a Comment