નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28 થી 2 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે.
રાજ્યમાં ચોમાસું વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. આજની વાત કરીએ તો નવસારીમાં વહેલી સવારથી વરસાદી છુટાં છવાયા ઝાપટાં પડી રહ્યા છે. બે દિવસના વિરામ બાદ નવસારીમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની વિદાયને કારણે નવરાત્રીમાં પણ રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે.
કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 24મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે.
ભારે પવન ફૂંકાઇ શકે છે
નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28મીથી બીજી તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે. જ્યારે તારીખ 5 સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ 3 થી 5 માં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
શરદ પૂનમે કેવું રહેશે વાતાવરણ
ચોમાસાની વિદાય અંગે તેમણે જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાંથી ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેશે. પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે પણ તારીખ 10 અને 11, જો શરદ પૂનમની રાતે ચંદ્ર શ્યામ વાદળો છવાશે તો સમુદ્રમાં વાવાછોડું ફૂંકાવવાની શક્યતા રહેશે. તારીખ 8થી 22માં બંગાળના સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે. હવાનું હળવું દબાણ રહેતા દક્ષિણ પૂર્વીય તટીય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળમાં લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના છે.