ગુલાબી ઠંડી ને નોરતાની રાત, સાથે જોડીદારનો સાથ:હવે બે દિવસ વરસાદ બહુ નહીં કનડે, છતાં ખેલૈયાઓ તો ભર વરસાદમાં પણ ગરબે ઘૂમવા થનગને છે – weather forcast in gujarat

નવલી નોરતાની આજે પાંચમી રાત છે તો રાજ્યભરને ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની ખાસ આગાહી નથી. આમ છતાં ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. પરંતુ ખેલૈયાઓના ઉત્સાહમાં લગીરે ઓટ આવી નથી. જો કે, રાજ્યભરના ખેલૈયાઓ ગરબે ઘૂમવા સજ્જ છે.

ગુલાબી ઠંડીનો અહેસાસ થશે : અમદાવાદ

નવરાત્રિનું આજે પાંચમું નોરતું છે. ત્યારે અમદાવાદમાં ગરબા રમવા થનગનતાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની સહેજ પણ સંભાવના નથી. આજે આંશિક વાદળછાયું અને ઠંડક વાળું વાતાવરણ રહેશે. એટલે ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે. રાત્રે પણ ગરબા રમવામાં વરસાદનું કોઈ વિઘ્ન નહિ આવે.

સુરત

સુરતમાં પાંચમા નોરતે પણ વરસાદના એંધાણ છે અને છૂટાછવાયા વરસાદથી ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. જ્યારે આજે વરસાદી વાતાવરણ સાથે હળવા વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. નવરાત્રિના પહેલા દિવસે જ વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી હતી.

વડોદરા

વડોદરા શહેરમાં પાંચમા નોરતે પણ વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે. ત્રીજા નોરતે વડોદરાના પૂર્વ વિસ્તારમાં રાત્રે 11 વાગે વરસાદ શરૂ થતાં ગરબામાં ભંગ પડ્યો હતો અને ગરબા ગ્રાઉન્ડમાં ગરબા બંધ કરવા પડ્યા હતા. વરસાદને કારણે મ્યુઝિક સિસ્ટમ બચાવવા આયોજકોમાં ભાગદોડ મચી હતી.

રાજકોટ

આજે નવલી નલરાત્રિનું પાંચમું નોરતું છે. ત્યારે આજના હવામાન વિશે વાત કરીએ તો વહેલી સવારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે પરોઢીયે ધુમ્મસ જોવા મળ્યું હતું. બાદમાં 8 વાગ્યાની આસપાસ ધીમે ધીમે તડકો નીકળ્યો હતો. 9 વાગતા જ વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું હતું. આજે બપોર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું બાદમાં સાંજ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. પરંતુ ગરબા સમયે ક્યાંક છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આથી ખેલૈયાઓ આજે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવજો.

Leave a Comment