રંગમાં ભંગ/ગુજરાતમાં હજુ પણ 2 થી 3 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં વિસ્તારને ઘમરોળશે મેઘરાજા – Gujarat Weather Update

ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સમાન્ય વરસાદ પડ્યો છે, હવામાન વિભાગે હજુ પણ આગામી 2 થી 3 દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Update : ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સમાન્ય વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ અને વલસાડના વાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 2 થી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર ની સાથે કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા રહેશે. પરંતુ 9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી માધ્યમ પ્રકારનો વરસાદ થઇ શકે છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની પુરે પૂરી ભીતિ પણ છે. મેઘરાજાના પુન: આગમનના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વાતાવરણમાં અચાનક પલટો આવતા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પ્રધાનમંત્રીના આગમનની ચાલતી તૈયારી ઉપર વરસાદના કારણે વિઘ્ન આવ્યું હતું. સભા સ્થળે પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયું છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં હળવો વરસાદ પડ્યો હતો.

બપોર બાદ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ઝાંપટા સ્વરૂપે વરસાદ વરસ્યો છે. સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે.

વડોદરા શહેર સહિત સાવલી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગોઠડા, ટુંડાવ, બહુથા, મંજુસર સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તેમજ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત સવારથી જ થઇ ગઇ છે. લુણાવાડા હાડોડ ચારણગામ વરધરી લાલસર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.

વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પરંતુ જિલ્લામાં વરસી રહેલો પાછોતરો વરસાદ ખેતીને પણ ભારે નુકસાન કરી રહ્યોછે.

વરસાદ નવસારીમાં પણ આફતરૂપ બન્યો અહીં નવસારી શહેરમાં ફરી ભુવા રાજ દૃશ્ય જોવા મળ્યું. થોડા વરસાદે સ્ટેશનથી જલાલપોર જતા માર્ગ પર ભૂવો પડી જતાં ભવાની માતાના મંદિર પાસે એક કાર ફસાઇ ગઇ હતી. ભારે જહેમત બાદ કારને ભૂવા માંથી બહાર કાઢવામાં આવી હતી.

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે. વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસ વાવ્યું હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળુ પડી જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે. આવી જ સ્થિતિ મહીસાગર જિલ્લામાં પણ સર્જાઈ છે. અહીં મોટી માત્રામાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતો ખુશ હતા. પરંતુ ગઈકાલે રાત્રે ભારે પવન સાથે બાલાસિનોરમાં 2 ઈંચ જ્યારે લુણાવાડામાં 1 ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરનો પાક પલળી ગયો હતો. આ આણંદ જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે. કપાસ અને તમાકુનો ઉભો પાક પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Leave a Comment