હવામાન વિભાગ તેમજ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
• ખેલૈયાઓની મજા બગડશે?
• આજે ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની પધરામણી
• અમરેલી,બનાસકાંઠા, અને ભરૂચમાં વરસાદ
કોરોનાકાળના બે વર્ષ બાદ રંગેચંગે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવરાત્રીના બીજા દિવસે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આચાનક જ વાતાવરણમાં પલટો આવતા ગરબા રસિકો તેમજ નવરાત્રીના આયોજકો ચિંતા ગયા છે. આજે સાંજ સુધીમાં 3 જિલ્લાના પંથકોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ નવરાત્રીના ટાણે જ વરસાદે એન્ટ્રી મારી છે. તો બીજી તરફ આ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી(નુકસાન કારક) સાબિત થઈ રહ્યો છે. કપાસ અને મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.
બપોર બાદ બનાસકાંઠાના ધાનેરામાં વરસાદે રમઝટ બોલાવી છે. બીજા નોરતે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. હવમાન વિભાગની આગાહી મુજબ ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘો વરસતા ખેલૈયાઓના ચહેરા પર મુંઝવણ દેખાઈ રહી છે.
જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ શહેરમાં વરસાદે ખરા ટાણે જ એન્ટ્રી મારી છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ખેલૈયાઓ અને ગરબા આયોજકો અહી પણ મુશ્કેલીમાં મુકાયા છે.
નવરાત્રીમાં વરસાદ થઈ શકે: અંબાલાલ પટેલ
અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે. 29 સપ્ટે.થી 2 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
નવરાત્રિના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદ થઈ શકે: હવામાન વિભાગ
હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમા આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારા છે. શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેમજ આ સાથે ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રમા પણ જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.