– નવલી નોરતાની રાતોને માણવા ગરવી ગુજરાતના યુવાધનનું હૈયું ક્યારનું થનગની રહ્યું હતું. આખરે બીજું નોરતું બેસી ગયું છે પરંતુ આ વખતે વરસાદ નોરતાની મજામાં વિલન બની રહ્યો છે.
સોમવારે સવારથી જ રાજકોટ, વડોદરા, સુરત તથા અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ કારણથી ઘણા સ્થળોએ તો પાણી પણ ભરાઈ ગયા છે. બરાબર ત્રણ વર્ષ અગાઉ 2019ના ગરબામાં પણ આવું જ થયું હતું અને વરસાદ વિલન બન્યો હતો.
અમદાવાદઃ કાલે 7 વાગ્યાથી છૂટોછવાયો વરસાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં તો કાલે બપોરે જોરદાર વરસાદ પડ્યો હતો. વટવા, મણિનગર, કાંકરિયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાં પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે, વરસાદને લીધે પાર્ટી પ્લોટોમાં સાંજે ગરબા રમાશે કે કેમ એ બાબતે ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. વરસાદ બંધ થતાંની સાથે જ પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા કોઈપણ રીતે આજે ગરબા યોજાય તેની વ્યવસ્થા શરૂ કરી દેવાઈ હતી.
વડોદરાઃ સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
વડોદરા શહેરમાં કાલે સવારથી જ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં સવારે વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડનો સમાવેશ થતો હતો.
રાજકોટઃ 9 વાગ્યા સુધી વરસાદ પડી શકે, પછી મોજ
રંગીલા રાજકોટમાં નવરાત્રિના ગરબાની બધી તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે કાલે સવારથી વરસાદ વિલન બન્યો હતો. આમેય કાલે રાત્રે 9 વાગ્યા સુધી વરસાદ પડવાની આગાહી હતી. આ સ્થિતિમાં રાજકોટમાં રાત્રે 9 વાગ્યા પછી વરસાદ બંધ થતાં સારી રીતે ગરબાની મજા લોકો માણી શકે છે. જો કે, રાત્રે વરસાદ બંધ થાય તે પછી પણ ભારે ઉકળાટને કારણે ખેલૈયાઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
સુરતઃ આસોમાં અષાઢી માહોલ છવાયો
સુરતમાં પણ કાલે સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, સોમવારે સાંજ પછી આકાશમાં વાદળા ઘેરાય અને વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. દિવસભર વાદળોની સંતાકૂકડી વચ્ચે આકાશ પણ વાદળછાયું રહેતા ઉકળાટ વ્યાપ્યો હતો. સુરતમાં સાંજે સાતેક વાગ્યા પછી વરસાદ પડી શકે છે. આ સ્થિતિમાં ગરબાના પાર્ટીપ્લોટ તથા ક્લબોના આયોજકો ચિંતામાં મૂકાયા છે.