બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ લો પ્રેશર સજાર્યું, જેની અસર ગુજરાતમાં થતાં નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની શક્યતા.
• ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
• દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 24, 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહીમાં ફેરફાર કરવામાં આવ્યો.
નવરાત્રિના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી.
હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ છેલ્લે જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે અને 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે તેવી સંભાવના.
હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટર
ખેડૂતો માટે સારી વાત એ છે કે નર્મદા ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં વધી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી પાણી છોડાયું છે. ઉપરવાસથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડીદીધું છે. ડેમમાંથી પાણીની કુલ જાવક 1.20 લાખ ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટરે છલોછલ ભર્યો છે. તો બીજી તરફ છેલ્લા 3 દિવસથી વરસાદ બંધ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 342.72 ફૂટ પર છે. જે ભયજનક સપાટીથી અઢી ફૂટ દૂર છે.