બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે ત્રાટકી ચૂક્યું છે, સાંજે લગભગ સાડા છ વાગ્યે આ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થય ચૂક્યો છે, પવનો પણ ફૂંકાઈ રહ્યા છે.
શુક્રવારે મધ્ય રાત્રિએ હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને નિકટના પાકિસ્તાનના દરિયા કાંઠાને કરાચી અને માંડવી બંદર વચ્ચે જખૌ બંદર પાસે પણ પસાર કરી ચૂક્યું છે.”
“વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છની દિશામાં આગળ વધી રહ્યું છે. અમુક કલાક પહેલાં વાવાઝોડું બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની તીવ્રતા સાથે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે પણ ત્રાટક્યું હતું.”
તેમણે વાવાઝોડાની સ્થિતિ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, “વાવાઝોડાની આંખ હવે જમીન ઉપર પહોંચી ચૂકી છે. તે સાડા દસથી સાડા અગિયાર વાગ્યાની વચ્ચેના સમયગાળામાં સમુદ્રમાંથી જમીન પર પહોંચી ગઈ છે. સાડા અગિયાર વાગ્યા સુધીમાં તે હાલ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર આવી પહોંચી છે.”
વાવાઝોડાની તીવ્રતા અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “વાવાઝોડાની આંખ જમીન પર પહોંચવાની સાથે જ તેની તીવ્રતામાં પણ હવે ઘટાડો થયો છે. તે હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની ગયું છે.પવનની ગતિની વાત કરીએ તો હવે પવનની ગતિ 105થી 115 કિમી પ્રતિ કલાક સુધી નોંધાઈ છે. હવે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પરથી ઉત્તરપૂર્વ તરફની તેની ગતિ નિયમિત ચાલુ રાખશે. તેમજ વહેલી સવાર સુધીમાં તે વધુ નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં પણ રૂપાંતરિત થઈ જશે.”
“વહેલી સવારે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પરથી ઉત્તરપૂર્વ તરફ પોતાની ગતિ ચાલુ રાખશે. અને 16 તારીખની સાંજ સુધીમાં ડિપ્રેશનમાં તબદીલ થઈ શકે છે.”
આગળ જણાવ્યું છે કે, “વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પહોંચીને નબળું પડી જશે.”
16 તારીખની સવારે પવનની ગતિની આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે, “સવારે વાવાઝોડાના કારણે ફૂંકાતા પવનોની ગતિ 75થી 85 કિલોમીટર પ્રતિ કલાક હશે. જેમાં સાંજ સુધીમાં વધુ ઘટાડો થશે, સાંજ સુધીમાં પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.”