– રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. રવિવારે પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ શહેરમાં જ રવિવારે માત્ર એક કલાકમાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગ્રામ્ય પંથકમાં દાત્રાણા, ઉમરાળા સહિતના વિસ્તારોમાં 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના પારાવડા, મોભીયીવદર, સમીર ગામે દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો ધારી, સાવરકુંડલામાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આ તરફ મધ્ય ગુજરાતના ભરૂચમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા ચૂક્યા હતા. રાજ્યમાં હજુ પણ 15 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની પૂરી ભીતી સેવાઈ રહી છે. મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
ગીર સોમનાથના તાલાલાના વાડલા, આકોલવાડી, રસુલપરા સહિતના ગામોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બોટાદના ઢસા, જલાલપુર, માંડવા, વિકળીયા, પાટણા, માલપરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જૂનાગઢના જોશીપરાના ઓઘડનગરમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. મહીસાગર જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. વીરપુર, લુણાવાડા તાલુકા ધામોદ, લાલસર, ઉચરપી સહિતના ગામોમાં પાછોતરા વરસાદના કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે.
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી, ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ
રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં ખુબજ વધારો થયો છે. આજે પણ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થય ચૂક્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ પડતા ખેતરો જવાના ગાડા માર્ગ અને ગામના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં ખુબજ વધારો થયો છે.
મહિસાગર જિલ્લામાં સાર્વર્ત્રિક વરસાદ
મિત્રો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં 1.75 ઇંચ વરસાદ,બાલાસિનોર તાલુકામાં 1 ઇંચ વરસાદ,લુણાવાડા તાલુકામાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વીરપુર,ખાનપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેતીને નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે.