Gujarat Monsoon 2022: રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાયની લાઇન હાલ ભરૂચ પાસે છે. જેથી ભરૂચની ઉપરના તમામ જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઇ ચૂકી છે.
અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે 127% જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે રાજ્યભરમાં ખુબજ સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ચૂકી છે. ચોમાસાની વિદાય ભરૂચ સુધી પહોંચી છે જેના કારણે ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાએ અધિકારીક રીતે વિદાય પણ લય લીધી છે. પરંતુ હજી વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
પાંચ દિવસ કેવું રહેશે હવામાન
ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ચોમાસા અંગે વાત કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સુકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ છે. જેથી ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. રાજ્યનાં દક્ષિણ ભાગમાં ભેજનું પ્રમાણ છે જ્યારે ઉત્તર ગુજરાત સૂકું થઇ ગયુ છે. રાજ્યમાં ભેજના કારણે વાદળ બનીને એકાદ જગ્યાએ વરસાદ થઇ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાયની લાઇન હાલ ભરૂચ પાસે છે. જેથી ભરૂચની ઉપરના તમામ જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઇ ગઇ છે.
ક્યાં વરસી શકે છે વરસાદ
તેમણે વધુમાં જણાવ્યુ કે, વરસાદની વાત કરીએ તો, રાજ્યના દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં સામાન્ય થી મધ્યમાં પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે તેથી ત્યાં પણ ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે.
તાપમાન કેવું રહેશે?
ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યના દરિયાકાંઠા સિવાયના વિસ્તારોમાં 34થી 35 ડિગ્રી તાપમાન રહે છે. જેમાં આગામી પાંચ દિવસોમાં વધારે વધારો થવાની શક્યતા નથી પરંતુ એક બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આ વખતે રાજ્યમાં વરસાદની વાત કરીએ તો સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 27 ટકા વધારે વરસાદ થયો છે.
નોંધનીય છે કે, ગઇકાલે એટલે સોમવારે, અંજાર શહેરમાં સાંજના સમયે અનરાધાર એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમ્યાન ભારે ગરમી બાદ વરસાદ વરસતા શહેરના બસ સ્ટેશન, મહાદેવ નગર અને માલા શેરીમાં જોશભેર પાણી વહી નિકળ્યા હતા. નવરાત્રિની આઠમે દિવસના સમયે અનરાધાર વરસાદથી મંડપ વાળી મોટાભાગની ગરબીમાં પાણીના કારણે અસર પહોંચી હતી. આસો માસમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.