Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ થવાની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 17મી જુલાઈથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. UPથી આવનારુ સર્ક્યુલેશનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગામી 16મી જુલાઈ સુધી હવામાન સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કે જેમાં રાજ્યમાં હળવાથી સામાન્ય પ્રકારના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, એક વરસાદ આપતી સિસ્ટમ આવવાથી ગુજરાતમાં ફરી ભારે વરસાદના રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના બે રાઉન્ડ દરમિયાન સારો વરસાદ થયો ત્યારે હવે ત્રીજા રાઉન્ડ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે પરંતુ તે કેટલો ચાલશે તે અંગે આગામી દિવસોમાં જણાવવામાં આવશે.
ગુરુવારે બપોરે અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અઠવાડિયાના અંત સુધીની અંદર ગુજરાતમાં વરસાદ હળવો રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા વરસાદની સાથે ભારે સ્પેલ થવાની શક્યતાઓ પણ છે. જોકે, તે છૂટોછવાયો પણ રહી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત બોટાદમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ તેની સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. અમદાવાદ માટે હળવા માધ્યમ પ્રકારના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં પણ હમણાં વધારો થવાની શક્યતાઓ ના હોવાનું હવામાન વિભાગે જણાવી દીધું છે.