હવામાન આગાહી / ગુજરાતમાં ચોમોસાની વિદાય, સીઝનનો ૧૨૨ ટકા વરસાદ – Gujarat Weather

-કચ્છમાં સૌથી વધુ ૧૮૬ ટકા વરસાદ નોંધાયો

-૨૭ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધારે જ્યારે ૯૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધારે વરસાદ નોંધાયો

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ચૂકી છે. આ વખતે રાજ્યમાં 40.78 ઈંચ સાથે મોસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ નોધાયો હતો. ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો 98.48 ટકા વરસાદ પડયો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે માહિતી રજૂ કરવામાં આવી છે કે ચોમાસાએ 14 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. આ વખતે જૂન મહિનાના બીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થયો હતો, અને ચોમાસાની સીઝનમાં 95 તાલુકામાં 40 ઈંચથી વધુ, 130 તાલુકામાં 20 થી 40 ઈંચ, 26 તાલુકામાં10 થી 20 ઈંચ વરસાદ ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. આ વખતે જૂન મહિનામાં 2.52 ઈંચ, જુલાઇમાં 20.92, ઓગસ્ટમાં 10.37, સપ્ટેમ્બરમાં 5.91 અને ઓક્ટોબરમાં 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 130.43 ઈંચ, ડાંગમાં 105.27 ઈંચ, નવસારીમાં 102.48 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સરેરાસ વરસાદ 100 ટકાથી ઓછો પડયો હોય તેવા જિલ્લામાં માત્ર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદનો જ સમાવેશ થાય છે. આમ, 27 જિલ્લામાં સરેરાશ વરસાદ 100 ટકાથી વધારે નોંધાયો હતો.

કયા રીજિયનનમાં સૌથી વધુ વરસાદ?

રીજિયન   –   વરસાદ સરેરાશ

કચ્છ – 33.40, 186.01%

ઉત્તર – 34.67, 122.42%

પૂર્વ મધ્ય – 31.56, 99.51%

સૌરાષ્ટ્ર – 31.32, 111.02%

દક્ષિણ – 78.45, 135.02%

સરેરાશ – 40.78, 121.86%

ગાંધીનગરમાં 17.7 ડિગ્રી સાથે ઠંડીના ચમકારાનો પ્રારંભ

મોડી રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીથી અમદાવાદમાં હાલમાં ડબલ સીઝન અનુભવાઇ રહી છે. આજે અમદાવાદનું સરેરાશ અને મહત્તમ તાપમાન 35.1 જ્યારે ગત રાત્રિએ લઘુતમ તાપમાન 21.9 ડિગ્રી નોંધાયું હતું. ઓક્ટોબરના ચોથા સપ્તાહ સુધી અમદાવાદમાં ડબલ સીઝન અનુભવાય તેવી સંભાવના છે. ગત રાત્રિએ 17.7 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્યત્ર ભાવનગરમાં 33.5, સુરતમાં 34, વડોદરામાં 35.4, પોરબંદરમાં 35.6, ડીસામાં 36.6, રાજકોટમાં 38 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી.

Leave a Comment