ગ્રામ્ય વિસ્તારોમાં હાથિયાએ સુંઢ ફેરવી, ધોધમાર વરસાદ – Gujarat heavyrain

– ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રી

– તળાજામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથિએ સુંઢ ફેરવી છે. તાલુકા મથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત ત્રાટકી હોય તેમ એક તરફ વરસાદના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઘોઘા તાલુકાના કુકડ ગામે વીજળી પડતા બે બળદના મૃત્યુ થયા હતા.

ભાવનગરમાં આજે બીજા દિવસે મેઘરાજાએ સાંજનું મુહૂર્ત સાચવ્યું હતું. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ત્યાર બાદ સાંજે 10 મિનિટ જેટલા સમય માટે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યાં હતા. અચાનક જ વરસાદ તૂટી પડતા બજારમાં ભાગદોડ જોવા મળી હતી. ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જ્યારે સિહોરમાં સાંજના સમયે ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. તાલુકાના વરલ, બુઢણા, ટાણા, અગિયાળી સહિતના ગામોમાં ઓછા-વધતા પ્રમાણમાં મેઘરાજા વરસી ગયા હતા. ટાણા ગામે બે કલાક સુધી સતત વરસાદ શરૂ રહેતા સવા ઈંચ પાણી ખબક્યું હતું. તળાજામાં સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પ્રથમ સાંબેલાધાર બાદ ધીમીધારે મેઘરાજા વરસતા રહેતા બજારમાં ઘરાકી સુષ્ક રહેતા વેપારીઓએ દુકાનોના શટર વહેલા પાડી દીધા હતા. તળાજા શહેર ઉપરાંત દિહોર, સમઢિયાળા, બોરડા, દાઠા, ગોપનાથ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આ ઉપરાંત જેસરમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું.

ઘોઘા તાલુકાના કુકડ, કંટાળા, ગોરીયાળી, ઓદરકા, વાવડી, નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મોરચંદ ગામે બિહામણાં કડાકા સાથે આકાશમાંથી વીજળી ત્રાટકતા રાજેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલની માલિકીના બે બળદનું મોત પણ થયું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કડાકા સાથે વરસેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. તલ, મગ, કપાસ, ડુંગળી સહિતના પાકને નુકશાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ભારે ચિંતાતૂર બન્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે, સરકારી ચોપડે માત્ર ચાર તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં આજે રાત્રિના આઠ કલાક સુધીમાં તળાજામાં પોણો ઈંચ (17 મિ.મી.), સિહોરમાં પા ઈંચ (07 મિ.મી.), ભાવનગર અને જેસરમાં 1 – 1 મિ.મી. વરસાદ વરસ્યાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે.

ઉમરાળામાં અડધો ઈંચ સાથે સિઝનનો 100% વરસાદ

ભાવનગર શહેરમાં ગઈકાલે અડધાથી પોણો કલાકની અંદર ધોધમાર એક ઈંચ પાણી વરસી ગયા બાદ ધીમીધારે વરસાદ શરૂ રહેતા વધુ 7 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરાળામાં રાત્રિના આઠ કલાક પછી મેઘરાજાની એન્ટ્રી થતાં અડધો ઈંચ (12 મિ.મી.) વરસાદ થયો હતો. તેની સાથે જ ઉમરાળાએ ચાલુ સાલે ચોમાસાની સિઝનમાં 100% વરસાદનો આંક વટાવી દીધો હતો. ઉમરાળામાં સિઝનનો કુલ 596 મિ.મી. (101.53%) વરસાદ નોંધાયો છે. આ સાથે જ મહુવા, ગારિયાધાર, વલ્લભીપુર બાદ સિઝનના 100% વરસાદમાં ઉમરાળાનો પણ સમાવેશ થઈ ચુક્યો છે. વધુમાં ગઈકાલે રાત્રે વલ્લભીપુરમાં 2 મિ.મી. અને સિહોરમાં 1 મિ.મી. પાણી વરસ્યું હતું.

Leave a Comment