ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો
• હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે
• સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર
• દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા
• સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત કરવા સુધીની તૈયારી જાહેર
• બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપરજોય’ નામ આપ્યું છે જેનો અર્થ જ ‘આફત’ એવો થાય છે
• ચક્રવાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા
• અંબાલાલ પટેલે કહ્યું- ચક્રવાતના કારણે ચોમાસું મોડું પડશે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી

ગુજરાતના દરિયાકાંઠે એક ભયંકર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે તાકતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાતના દરવાજા પર ચક્રવાત બિપરજોય હવે દસ્તક આપવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતથી 1120 કિમી જેટલું દૂર આફત પોતાના પ્રારંભિક તબક્કામાં છે. ટૂંકમાં કહીએ તો તે જન્મ લઈ રહી છે. હવામાન વિભાગના શબ્દોમાં કહીએ તો અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ જાય એવી શક્યતાઓ હાલ દેખાઇ રહી છે.

આ ચક્રવાત દરમિયાન 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. ડિઝાસ્ટર વિભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9-10 જૂને અસર દેખાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે ડિઝાસ્ટર વિભાગે કામરેજમાં એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરી દીધી છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના પણ આપવામાં આવી છે અને અન્ય માછીમારોને દરિયા તરફ ના જવા માટે તાકિદ કરવામાં આવી છે.

સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્યનાં તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. 42 ગામના લોકોને સ્થળાંતરિત કરવા સુધીની તૈયારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપરજોય’ નામ આપ્યું છે જેનો અર્થ જ ‘આફત’ એવો થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે. આજે બપોર એટલે કે 7 જૂન બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે એવી પૂરી શક્યતા છે.

રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ

આફતને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં રાજ્યના તમામ બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ આપ્યું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે એ સ્પષ્ટ નથી. હવામાન વિભાગે બિપરજોય પર સતત નજર બનાવી રાખી છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાઇક્લોનિક એટલે કે ગંભીર ચક્રવાત સ્ટોર્મમાં ફેરવાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment